આજે ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો માટે સવારે નવ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વોટિંગ કરવા પહોંચ્યા હતાં. કુલ 107 ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. જેમાં 84 ધારાસભ્યો ભાજપના છે જ્યારે બાકીના 23 ધારાસભ્યો કોંગ્રેસ સહિત અન્ય પક્ષના છે. વોટ આપવા નીકળતા પહેલા પોતાના નિવાસ સ્થાને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરવા જઈ રહ્યો છું. મતદાન બાદ વિસ્તારપૂર્વક મારી વાત કરીશ.
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના ડરના કારણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ-પાલનપુર રોડ પર આવેલી બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ છે અને અહીં તેમને મતદાન માટે તાલીમ આપવામાં આવી હતી. આજે સવારે તેઓ ગાંધીનગર આવવા નીકળી ગયા છે. જોકે, હજુ સુધી તેઓ પહોંચ્યા નથી.
નોંધનીય છે કે, ભાજપ તરફથી વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી ચંદ્રીકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે છે કે નહીં. આ વખતે અલગ અલગ ચૂંટણી થવાની હોવાથી ભાજપની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.