રાજકોટ: જામનગર બેઠક ઉપર ભાજપના સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરાતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટીકિટ ન મળતાં રિવાબાના સમર્થકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રિવાબાના એક સમર્થક ભાવનાબા જાડેજાએ જામનગરથી ચૂંટણી લડવાનો  નિર્ણય જાહેર કર્યો છે અને રિવાબાને ટીકિટ ન અપાતાં રોષે ભરાયા હતાં. જ્યારે રિવાબાએ આ વીડિયોનો જવાબ આપતા કહ્યું હતું કે, મને કોઈ નારાજગી નથી અને આવી વાતોથી ગેરમાર્ગે દોરાવું નહીં.




જય માતાજી.... હું રિવાબા રવિન્દ્ર જાડેજા ભાજપના કાર્યકર્તા તરીકે એક બાબત સ્પષ્ટ કરવી છે કે, હમણાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ભાવનાબા જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મારા નામે ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કરીને પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાને સંતોષવા માંગતા હોય તેવું જોવા મળ્યું છે.



રિવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનાબા જાડેજા ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વીડિયો તથા મેસેજીસ ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે તેવું તેઓ કહે છે જે સદંતર રીતે ખોટું છે કેમ કે ભાજપે આપણાં જ સમાજના ધારાસભ્ય હકુભા જાડેજાને કેબીનેટમાં સમાવીને આપણા સમાજની પૂરેપુરી નોંધ લીધી છે.



આ સાથે જ કહ્યું હતું કે અહીં વાત રહી વ્યકિતગત તો મેં ભાજપની વિચારધારા અને મોદી સાહેબની કાર્યશૈલીથી પ્રભાવિત થઇને ભાજપ જોઈન્ટ કર્યું છે માટે સમગ્ર ક્ષત્રિય સમાજને આવી વાતોમાં દોરવાવું નહીં તેમ અંતમાં રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ અપીલ કરી છે.