ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલ થઈ શકે છે. રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ચારથી પાંચ મંત્રીઓ બદલાવાની શક્યતા છે. બનાસકાંઠા બેઠક પરથી દિલ્લીની દોડમાં ઉતરેલા પરબત પટેલ હાલ રાજય સરકારમાં મંત્રી છે. જો પરબત પટેલની જીત થાય તો મંત્રીપદે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે.




જ્યારે રાજ્યકક્ષાના મંત્રી પરષોતમ સોલંકીની પણ તબિયત નાદુરસ્ત રહે છે જેના કારણે તેમના અંગે પણ પુનઃવિચારણા થઈ શકે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કૉંગ્રેસના હરિફ ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલાની સુનાવણી આખરી તબક્કામાં છે. જો નિર્ણય વિપરીત આવે તો તેમનું મંત્રીપદ અને ધારાસભ્ય પદ પણ જોખમમાં છે.



મંત્રી વાસણભાઈ આહીર પણ હાલ એક કથિત વિવાદમાં સપડાયેલા છે, ત્યારે જો વિવાદ આગળ વધે તો તેમની પણ મુશ્કેલી વધી શકે. આવા સંજોગોમાં ચારથી પાંચ મંત્રીઓની એક્ઝિટ થાય તો નવા ચહેરાઓને સ્થાન મળી શકે. હાલ સંસદીય સચિવોની નિમણૂકોને લઈને પણ રાજ્ય સરકાર અવઢવમાં છે. ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરી નવા સભ્યોને સમાવેશ થઈ શકે.



કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કૉંગ્રેસમાંથી ભાજપમાં લઈ સીધા જ મંત્રી બનાવી દેવાતા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની વાત છે ત્યારે આ નારાજગી દૂર કરવાના ભાગરૂપે પણ આ સંભવિત ફેરબદલને જોવામા આવી રહ્યો છે.



રાજ્ય સરકારનું મંત્રીમંડળ વધુમાં વધુ 27 સભ્યોનું હોય શકે, ત્યારે ચૂંટણી પરિણામ બાદ રૂપાણી મંત્રીમંડળમાં મોટા ફેરબદલની શક્યતા છે. પ્રદીપસિંહને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવા તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે. એટલું જ નહીં. ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પણ મંત્રી પદ મળી શકે છે.