નવી દિલ્હીઃ પાટીદાર નેતા અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલને સુરેન્દ્રનગરની એક રેલીમાં તેના ભાષણ દરમિયાન તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ લાફો ચોડી દીધો હતો. હાર્દિકને લાફો પડ્યો તેની ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે હવે એક અન્ય તસવીર વાયરલ થઈ રહી છે જેમાં હાર્દિક પટેલને લાફો મારનાર તરૂણ ગજ્જર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જોવા મળી રહ્યા છે. જોકે આ તસવીર પાછળનું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો.
હકીકતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જે તસવીર વાયરલ થઈ છે તેમાં રાહુલ ગાંધીની બરાબર પાછળ રેલીમાં જોવા મળતી વ્યક્તિ અને હાર્દિકને લાફો ચોડી દેનાર તરૂણ ગજ્જર અલગ-અલગ છે. તસવીર જોતા હન્ને એક જ લાગે છે પણ છે અલગ અલગ.
હાર્દિકને લાફો મારનાર તરૂણ ગજ્જર છે. પરંતુ રાહુલ ગાંધીની સાથે જે વ્યક્તિની તસવીર વાયરલ થઈ છે તે કોંગ્રેસના ભૂતપૂર્વ MLA અને ઉત્તરપ્રદેશના સિનિયર નેતા અનુરાગ નારાયણ સિંહ છે. કહેવાય છે કે આ ફોટો 16મી નવેમ્બર 2016ના રોજ લેવાયેલો છે. પરંતુ હાલ આ ફોટો ખૂબ વાયરલ થયો છે.