આ અગાઉ મંગળવારે ઇવીએમ અને વીવીપેટના મુદ્દા પર કોગ્રેસ, સપા, બસપા, તૃણમુલ કોગ્રેસ સહિતની 22 વિપક્ષ પાર્ટીઓએ ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. તમામ પાર્ટીઓએ આગ્રહ કર્યો હતો કે, મતગણતરી અગાઉ કેટલાક મતદાન કેન્દ્રો પર વીવીપેટ સ્લીપની મેળવણી કરવામાં આવે. પાર્ટીઓએ કહ્યું કે, જો એક મતદાન કેન્દ્ર પર પણ વીવીપેટ સ્લીપની મેળવણી ના થાય તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવે.
વિપક્ષનો આરોપ છે કે, ઈવીએમમાં ગોટાળા થઈ રહ્યા છે અને રસ્તામાં ઈવીએમ બદલવામાં આવી રહ્યા છે. જોકે ચૂંટણી પંચે વિપક્ષના દરેક આરોપોને નકારી દીધા છે અને કહ્યું છે કે, ઈવીએમ-વીવીપેટ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે
કોગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, વીવીપેટની સ્લીપ મેળવણી ગણતરી અગાઉ કરવામાં આવે ત્યારબાદ મતગણતરી કરાય. આ અમારી સૌથી મોટી માંગણી છે. બસપાના દાનિશ અલીએ કહ્યું કે, સ્ટ્રોગરૂમ લઇને જે ફરિયાદો મળી રહી છે તે અમે ચૂંટણી પંચ સમક્ષ રાખી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશનું વહીવટીતંત્ર મનમાની કરી રહ્યું છે કારણ કે ભાજપને ખ્યાલ છે કે લોકોએ શું નિર્ણય આપ્યો છે. હવે તતે હેરાફેરી કરવા માંગે છે.