ઊંઝામાં આશા પટેલ અને નારણ પટેલના જૂથ વચ્ચેનો વિખવાદ ભાજપને મહેસાણા લોકસભામાં પણ નડી રહ્યો છે. આંતરિક જૂથવાદ વચ્ચે મજબૂત ઉમેદવાર ભાજપને મળતો નથી, જેના પગલે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર પાર્ટીનું દબાણ આવ્યું છે.
આથી હવે નીતિન પટેલને મહેસાણા લોકસભા ચૂંટણી લડાવાય તેવા સમીકરણો રચાઈ રહ્યા છે. ભાજપની બાકી ત્રણ બેઠકોની ગૂંચવણ ઉકેલવા માટે પ્રભારી ઓમ માથુરે સોમવારે દિવસ દરમિયાન બેઠકોનો દોર ચલાવ્યો હતો.
હાઈકમાન્ડના આદેશના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરી એકવાર સમજાવાયા છે. ભાજપ હાઈકમાન્ડની ઈચ્છા પ્રથમથી જ નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી લડે તેવી હતી. પરંતુ નીતિન પટેલના ઈનકારને પગલે અન્ય ઉમેદવારોનાં નામ પર ચર્ચા થઈ હતી, પરંતુ મહેસાણામાં આંતરિક વિખવાદ વચ્ચે જીતી શકે તેવો ઉમેદવાર નહીં મળતા નીતિન પટેલને ચૂંટણી લડાવે તેવી શક્યતા છે.
આ સાથે ઊંઝા વિધાનસભા બેઠક માટે પણ આશા પટેલ અને નારણ પટેલ વચ્ચેના ઝઘડામાં ત્રીજા કોઈ ઉમેદવારને ટીકિટ આપવી કે કેમ તેની શક્યતા ચકાસવામાં આવી રહી છે. મંગળવારે સાંજ સુધીમાં ભાજપના બાકીના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.