જસદણઃ જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ પેટાચૂંટણીમાં સરેરાશ 72 મતદાન થયું હતું. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. બંન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. 23 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મતદાન અગાઉ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જસદણ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 262 મતદાન મથકો પર મતદાન છે, જેમાંથી 126 મતદાન મથકો સંવેદનશીલ છે.
લીલાપુર ગામે વીવીપેટ મશીનમાં ખામી સર્જાતા મતદાર રોકવામાં આવ્યું હતું, મશીન બદલી પુન: મતદાન શરૂ કરાયું હતું. જસદણના 121 નંબરના બૂથ પર ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકરે ભાજપનો ખેસ પહેર્યો હોય કોંગ્રેસના ગજેન્દ્ર રામાણીએ કાઢી નાખવાનું કહેતા થઇ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ભાજપ સત્તાનો દુરઉપયોગ કરે છે તેવો આક્ષેપ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ મહેશ રાજપૂતે કર્યો હતો.