નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રિય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ગુરુવારે યુપીએમાં સામેલ થઇ શકે છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર, આરએલએસપીએ તાજેતરમાં જ બીજેપી સાથે ગઠબંધન તોડી દીધું હતું. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, તેમની પાર્ટી અને યુપીએ ગઠબંધન સાથે વાતચીત લગભગ નક્કી થઇ ગઇ છે અને કુશવાહ પ્રેસ કોન્ફરન્સ કરીને  યુપીએમાં સામેલ થવાની જાહેરાત કરી શકે છે.

આરજેડી નેતા તેજસ્વી યાદવ, હિન્દુસ્તીન આવામ મોર્ચા (સેક્યુલર) સંસ્થાપક જીતન રામ માંઝી અને કોગ્રેસના એક પ્રતિનિધિ જાહેરાત સમયે હાજર રહી શકે છે. વિપક્ષ નેતા શરદ યાદવ પણ કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે. કોગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કુશવાહાએ એનડીએ છોડ્યા બાદ તેમની સાથે મુલાકાત કરી હતી. યુપીએનું માનવું છે કે કુશવાહાનો તેમની સાથે હાથ મિલાવવાનો નિર્ણય બિહારમાં એનડીએ વિરુદ્ધ માહોલ બનાવવામાં મદદ કરશે. ભાજપ સિવાય બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ, કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનની એલજેપી એનડીએના પક્ષો છે.