કોલકાતાઃ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ પાર્ટી તૃણમુલ કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. 2014ના34ની તુલનામાં આ વખતે પાર્ટી 22 સીટ જ જીતી શકી હતી. આજે ટીએમસીના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ ચૂંટણીમાં મળેલી હારના કારણે રાજીનામાની ઓફર કરી છે.

કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું, હું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે હવે કામ કરવા નથી માંગતી. કેન્દ્રીય શક્તિઓ અમારી વિરુદ્ધમાં કામ કરી રહી છે. ઇમરજન્સીની સ્થિતિ સમગ્ર દેશમાં ઊભી કરવામાં આવી રહી છે. સમાજને હિન્દુ-મુસ્લિમમાં વહેંચી દેવામાં આવ્યો છે. અમે ચૂંટણી પંચને અનેક વખત ફરિયાદ કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.


મમતાએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું, હવે ફરી મોદીએ પાકિસ્તાનને શપથ સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. પરંતુ તેઓ બીજાને પાકિસ્તાની કેમ કહે છે. એક મુખ્યમંત્રી તરીકે મને ત્રાસ આપવામાં આવતો હોય તેમ લાગે છે તેથી હવે હું સીએમ તરીકે રહેવા નથી માંગતી. ચૂંટણી પંચ પૂરી રીતે બીજેપી બની ચુક્યુ છે. હું કોંગ્રેસની જેમ આત્મસમર્પણ પણ નહીં કરું.