અમદાવાદ: લોકસભા ચૂંટણીને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે આજે વધુ એક યાદી જાહેર કરી હતી. ભાજપે ગુજરાતમાં કુલ 23 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપે કુલ 8 વર્તમાન સાંસદોના પત્તા કાપી નાખ્યા છે. જેને લઈને ઘણી બેઠકો પર વિવાદ પણ સર્જાયો હતો. સુરેન્દ્રનગર, પોરબંદર, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ અને છોટા ઉદેપુરના સાંસદોના પત્તા કાપી નાખ્યા છે.

1) સુરેન્દ્રનગર બેઠક પર દેવજી ફતેપરાનું પત્તું કાપીને ડો.મહેન્દ્ર મુંજપરાને લોકસભાની ટીકિટ આપવામાં આવી છે.

2) પોરબંદર બેઠક પર વિઠ્ઠલ રાદડિયાની તબિયત સારી ન હોવાથી આ વખતે તેમને ટીકિટ આપી નથી. તેમની જગ્યાએ ગોંડલના બિઝનેસમેન રમેશ ધડુકને ટીકિટ આપવામાં આવી છે.

3) ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કાપીને અમિત શાહ ચૂંટણી લડવાના છે. શનિવારે અમિત શાહે રોડ શો યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

4) ભાજપે પાટણ બેઠક પરથી લિલાધર વાઘેલાનું પત્તું કાપી નાખ્યું હતું તેમના સ્થાને ભરતસિંહ ડાભીને ટીકિટ આપી છે. ભરતસિંહ ડાભી ખેરાલુના ધારાસભ્ય છે.

5) ભાજપે બનાસકાંઠા બેઠક પરથી હરીભાઈ ચૌધરીનું પત્તું કાપીને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પરબત પટેલને ટીકિટ આપી છે.

6 ) પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડને ટીકિટ આપવામાં આવી છે. ભાજપે આ વખતે પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપી નાખ્યું છે.

7 ) આણંદ બેઠક પર દિલીપ પટેલનું પત્તું કાપીને ભાજપે આ વખતે મિતેશ પટેલને ટીકિટ આપી છે.

8) છોટા ઉદેપુર બેઠક પરથી રામસિંહ રાઠવાનું પત્તું કાપીને ગીતાબેન રાઠવાને ટીકિટ આપી છે.