નવી દિલ્હીઃ બેન્કો પાસે લોન લઇને ભાગી ગયેલા વિજય માલ્યાએ એકવાર ફરી પોતાના પર થઇ રહેલી કાર્યવાહીને ખોટી ગણાવતા ભાજપ પર નિશાન સાધ્યું છે. વિજય માલ્યાએ ટ્વિટ કરી કહ્યું કે, જ્યારે વડાપ્રધાને પોતે કહી દીધું છે કે તેમની સરકારે મારી પાસેથી બેન્કોની લોન કરતા વધુ રૂપિયા વસૂલી લીધા છે તો પછી ભાજપના પ્રવક્તા મારી વિરુદ્ધ સતત નિવેદનબાજી કેમ કરી રહ્યા છે. માલ્યાએ આ અંગે રવિવારે સવારે બે ટ્વિટ કર્યા હતા.
વિજય માલ્યાએ ટ્વિટ કરી જણાવ્યું કે, વડાપ્રધાનનો ઇન્ટરવ્યૂ જોયો, જેમાં તે મારું નામ લઇ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભલે વિજય માલ્યા પર બેન્કોની 9000 કરોડ રૂપિયાની લોન બાકી છે પરંતુ તેમની સરકારે તેની પાસેથી 14 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હવે જ્યારે વડાપ્રધાન મોદીએ પુરી વસૂલાતની પુષ્ટી કરી છે તો પછી બીજેપીના પ્રવક્તા કેમ મારી વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે.
બીજી એક ટ્વિટમાં વિજય માલ્યાએ લખ્યું કે, ભારતમાં મને પોસ્ટર બોય બનાવી દીધો છે. જેટલી લોન મારા પર બેન્કની હતી તેનાથી વધારે વસૂલાત તેમની સરકાર કરી ચૂકી છે. માલ્યાએ કહ્યું કે, હું 1992થી યુકેમાં વસી રહ્યો છું. એવામાં મને ભાગેડું કહેવો ભાજપને યોગ્ય લાગે છે.