નવી દિલ્હી: હાલ દેશમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે આઈપીએલની સિઝન પણ ચાલી રહી છે. 11 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 91 સીટો માટે મતદાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જોકે આ દરમિયાન આઈપીએલના ઘણાં સ્ટાર ખેલાડીઓ મતદાન કરી શક્યા ન હતા. આ સ્ટાર ક્રિકેટર્સમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો સુરેશ રૈના, અંબાતી રાયડુ, સનરાઇઝર્સ હૈદરાબાદનો ભુવનેશ્વર કુમાર, આરસીબીનો ઉમેશ યાદવ અને દિલ્હી કેપિટલ્સનો હનુમા વિહારી સામેલ છે.


સુરેશ રૈના આઈપીએલમાં વ્યસ્ત હોવાથી પોતાનો વોટ આપી શક્યો ન હતો. તે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સાથે તૈયારીના કારણે મતદાનમાં ભાગ લઈ શક્યો ન હતો.

આવી જ સ્થિતિ ભુવનેશ્વર કુમારની હતી. પ્રથમ તબક્કામાં મેરઠ લોકસભા સીટ પર ચૂંટણી થઈ હતી પણ તે લોકતંત્રના આ પર્વમાં ભાગ લઈ શક્યો ન હતો.


આ લિસ્ટમાં ત્રીજું મોટું નામ ચેન્નાઈના અંબાતી રાયડુનું છે. જે રાજસ્થાન રોયલ્સ સામે મેચ હોવાના કારણે વોટ આપી શક્યો ન હતો. તેનું ઘર આંધ્ર પ્રદેશના ગુંટૂર લોકસભામાં આવે છે.


આ સિવાય આરસીબીનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ વોટ કરી શક્યો ન હતો. તે મહારાષ્ટ્રના નાગપુરનો રહેવાસી છે. જ્યાં 11 એપ્રિલે મતદાન થયું હતું.

દિલ્હી કેપિટલ્સનો યુવા બેટ્સમેન હનુમા વિહારી પણ મત આપી શક્યો ન હતો. તે આંધ્ર પ્રદેશની કાકીનાડા લોકસભામાંથી આવે છે.