આ ચૂંટણીમાં બની શકે છે ઇતિહાસ, પ્રથમવાર પુરુષો કરતા વધુ મહિલાઓ આપી રહી છે મત
abpasmita.in | 21 Apr 2019 02:50 PM (IST)
70 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર હશે જ્યારે લોકસભા ચૂંટણીમાં મહિલાઓ પુરુષો મતદારોને પાછળ છોડી દેશે. પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં તેની શરૂઆત થઇ ચૂકી છે

નવી દિલ્હીઃ 70 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર હશે જ્યારે લોકસભા ચૂંટણીમાં મહિલાઓ પુરુષો મતદારોને પાછળ છોડી દેશે. પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં તેની શરૂઆત થઇ ચૂકી છે. ઉમેદવાર તરીકે ભલે મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું હોય પરંતુ વોટિંગ ટર્નઆઉટમા મહિલાઓ પુરુષો કરતા આગળ નીકળી ચૂકી છે. ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સતાવાર આંકડાઓ જાહેર કર્યા છે. પ્રથમ તબક્કામાં મહિલાઓનું ટર્નઆઉટ અડધો ટકા વધારે છે જ્યારે બીજા તબક્કામાં આ વધીને 0.14 ટકા છે. વોટિંગ ટર્નઆઉટમા આ સામાન્ય લીડ લોકતંત્રમાં એક મોટા ફેરફારનો સંકેત છે. પ્રથમ તબક્કામાં મહિલાઓનો વોટિંગ ટર્નઆઉટ 68.53 ટકા નોંધાયો હતો જ્યારે આ જ તબક્કામાં પુરુષોનો વોટર ટર્નઆઉટ 68.02 ટકા રહ્યો. બીજા તબક્કામાં પણ આ જ સ્થિતિ જોવા મળી. 18 એપ્રિલના રોજ થયેલા બીજા તબક્કાના મતદાનના આંકડાઓ બતાવે છે કે આ રાજ્યોમાં મહિલાઓનો વોટર ટર્નઆઉટ 69.21 ટકા નોંધાયો હતો જ્યારે પુરુષોનો વોટર ટર્નઆઉટ 69.07 ટકા નોંધાયો હતો.