નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા અને એક્ઝિટ પોલ બાદ દેશની રાજનીતિમાં નવાજૂની શરૂ થઈ ગઈ છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈને તેના મંત્રિમંડળમા સામેલ ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણયને ખુદ ઓમપ્રકાશ રાજભરે આવકાર્યો છે.

એટલું જ નહીં ઓપી રાજભરના જે નેતાઓને રાજ્યમંત્રી પદનો દરજ્જો આપ્યો હોત તેને યોગી આદિત્યનાથે પરત લેવાની ભલામણ કરી છે.



ઓપી રાજભર યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યામ-દિવ્યાંક જન કલ્યાણ મંત્રી હતા. યોગીએ રાજ્યપાલને ભલામણ કરીને તેમને તાત્કાલીક બરતરફ કરવાની માગ કરી છે. વિતેલા ઘણાં સમયથી તે ભાજપ અને ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ બોલતા રહ્યા છે.

ઘણી વખત ઓપી રાજભરે એવા નિવેદન આપ્યા છે જેણે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી છે અને સમાજવાદી પાર્ટી અને બીએસપીને ફાયદો પહોંચ્યો છે. એવામાં હવે એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યા બાદ ચૂંટણી પ્રક્રિયા લગભગ ખત્મ જેવી જ છે તો યૂપી સીએમ યોગી આદિત્યનાથે તેમની વિરૂદ્ધ એક્શનની વાત કરી છે.