નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. ધોનીના એક મિત્રએ તેના લઈને કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. ધોનીની નજીકના મિત્રએ જણાવ્યું કે, કેટલાક મિત્રો તેને આતંકવાદી કહીને બોલાવતા હતા. ધોની ભારત માટે ચોથો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. તેમણે 2007, 2011 અને 2015 વર્લ્ડ કપ રમ્યા છે અને હવે 2019 વર્લ્ડ કપમાં પણ ટીમનો હિસ્સો છે.

ધોનીના મિત્ર સત્ય પ્રકાશે સ્પોર્ટ્સ મેગેઝીન ‘સ્પોર્ટસ્ટાર’ને જણાવ્યું હતું કે બધા મિત્રો ધોનીને આતંકવાદી કહેતા હતા. તે 20 બોલમાં 40-50 રન બનાવી નાખતો હતો. જોકે તે જ્યારે દેશ માટે રમવા લાગ્યો તો સંત બની ગયો છે. તેણે પોતાના એપ્રોચ બદલી નાખ્યો છે. તે ઘણો જલ્દી શીખે છે.



સત્ય પ્રકાશ 18 વર્ષથી ધોનીનો મિત્ર છે. તેણે જ ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી. બંને બિહાર માટે સાથે ક્રિકેટ રમતા હતા.

ધોનીના સંઘર્ષ વિશે તેણે જણાવ્યું હતું કે ધોની કહેતો હતો કે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવાથી ભૂખ નથી મટતી અને સારી ઊંઘ પણ આવતી નથી. બાકી ખેલાડીઓ અને ધોની વચ્ચે એ અંતર છે કે તે ભાવનાઓ રાખતો નથી.



સત્ય પ્રકાશે કહ્યું હતું કે શરૂઆતમાં તેણે કેપ્ટનશિપ કરી ન હતી પણ તે મહાન કેપ્ટન બની ગયો છે. તે હંમેશા હિન્દીમાં વાત કરતો હતો પણ હવે તે જોરદાર અંગ્રેજીમાં બોલે છે. અમે મિત્રો ક્યારેય તેની ક્ષમતાને ઓળખી શક્યા ન હતા.