Actress Bidisha De Majumdar Dead: સિનેમા ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, 21 વર્ષની બંગાળી અભિનેત્રી અને મોડલ બિદિશા દે મજુમદારે આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર આવ્યા બાદથી બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે અને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહી છે.


રિપોર્ટ્સનું માનીએ તો 21 વર્ષની અભિનેત્રી બિદિશાનો મૃતદેહ બુધવારે તેના ફ્લેટ પર લટકતો મળી આવ્યો હતો. બિદિશા દમદમના નગરબજારમાં ભાડાના ફ્લેટમાં રહેતી હતી જ્યાં તેણે આત્મહત્યા કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જ્યાં દરવાજો તોડીને અભિનેત્રીની લાશ મળી આવી હતી. પોલીસે અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.


પોલીસને ઘટનાસ્થળેથી અભિનેત્રીની સુસાઈડ નોટ મળી આવી છે


પોલીસને સ્થળ પરથી બિદિશા દે મજુમદારની એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે પોતાને કેન્સરથી પીડિત હોવાનું જણાવ્યું છે. બિદિશા થોડા મહિના પહેલા નગરબજારમાં રહેવા લાગી હતી. અભિનેત્રીના મિત્રોના જણાવ્યા અનુસાર, બિદિશાએ 2019માં ફ્રીલાન્સ મોડલિંગ શરૂ કર્યું હતું અને તે નગરબજાર એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. જો કે, કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે બિદિશા લાંબા સમયથી પરેશાન હતી અને તે તેના મિત્રોને પણ કહેતી હતી કે જો કંઈ નહીં બદલાય તો તે પોતાનું જીવન સમાપ્ત કરી દેશે.




હત્યા અને આત્મહત્યાનું રહસ્ય


મિત્રોએ એવો પણ ખુલાસો કર્યો છે કે અભિનેત્રી એક જિમ ટ્રેનર સાથે રિલેશનશિપમાં હતી જે તેની સાથે છેતરપિંડી કરતો હતો. બોયફ્રેન્ડ એક સાથે ત્રણ છોકરીઓને ડેટ કરી રહ્યો હતો, જેના વિશે બિદિશાને ખબર પડી. બિદિશા તેના બોયફ્રેન્ડને કોઈની સાથે શેર કરવા માંગતી ન હતી, જેના કારણે તે ખૂબ જ પરેશાન હતી. અભિનેત્રીના મિત્રોનું પણ કહેવું છે કે સુસાઈડ નોટમાં તે કેન્સરથી પીડિત હોવાનું નિવેદન સાવ ખોટું છે.