અમિતાભના બંગલા પર કામ કરી રહેલા 28 હાઈ રિસ્ક કોન્ટેક્ટ કર્મચારીઓનો થોડીવારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે, જેમનો રિપોર્ટ કાલે સાંજ સુધીમાં આવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારના ચાર સભ્યો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચનની કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે. પરંતુ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચનમાં કોરોનાના લક્ષણ નથી. એવામાં બીએમસીએ કહ્યું કે બંનેનો ઘરે જ સારવાર સંભવ છે. આગળ જરૂર પડશે તો યોગ્ય નિર્ણય કરવામાં આવશે. સારા સમાચાર એ છે કે જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી બીએમસીની ટીમે અમિતાભના બંગલા જલસામાં સેનિટાઈઝેશનનું કામ કર્યું. જુહૂ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ જલસાની બહાર ઉપસ્થિત છે. આ સાથે જ ઘરની બહાર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.