મુંબઈઃ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જાણીતા ટીવી શો  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશમા’ના મેકર્સને ચેતવણી આપી છે. આખો મામલો તાજેતરમાં દેખાડવામાં આવેલા શોના એક એપિસોડ સાથે સંકળાયેલો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિંદી મુંબઈની કોમન ભાષા છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ ફિલ્મ સ્ટાફના ચેરમેન અમેયા ખોપકરે કહ્યું હતું કે, શોના મેકર્સ એ સારી રીતે જાણે છે કે, મુંબઈમાં સૌથી વધારે મરાઠી ભાષા બોલાય છે. તેમ છતાં પણ તેમને આ પ્રકારનો પ્રોપેગેંડા પ્રસારીત કર્યો.


શોના મેકર્સને ગુજરાતી કીડા ગણાવતા અમેયાએ વધુ કહ્યું કે, કમ સે કમ શોમાં કામ કરી રહેલા મહારાષ્ટ્રીયન કલાકારોને શરમ આવવી જોઇએ. આ સાથે જ ખોપકરે તેમને પાઠ ભણાવવાની ધમકી આપી હતી.


આ પછી શોના નિર્માતા આસિત મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને વાત કરી હતી અને કહ્યું હતું કે, “મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને આપણા મહારાષ્ટ્રની રાજભાષા ભાષા મરાઠી છે. આમાં કોઈ જ શંકા નથી. હું ભારતીય છું હું મહારાષ્ટ્રિયન છું અને ગુજરાતી પણ છું. હું બધી ભારતીય ભાષાઓનો આદર કરું છું. જય હિન્દ.”


તમને જણાવી દઈએ કે, વીડિયોમાં શોના એક કેરેક્ટર કહે છે, 'આપણી ગોકુલધામ મુંબઇમાં છે અને મુંબઈની કોમન લેગ્વેજ હિન્દી છે. આ રીતે, આપણે હિન્દીમાં સુવિચાર લખીએ છીએ. જો આપણી સોસાયટી ચેન્નઈમાં હોત, તો આપણે તમિલમાં લખતા હોત.



ટ્વિટર પર એમએનએસની જનરલ સેક્રેટરી શાલિની ઠાકરેએ કહ્યું હતું કે, જો સબ ટીવી એ વાતનો સ્વિકાર નહીં કરે કે મુંબઈની કોમન ભાષા હિદી નહીં મરાઠી છે તો મહારાષ્ટ્રના યોદ્ધાઓ સુવિચાર તેમના કાનોમાં લખવા પડશે. અને તે પણ મરાઠી માં.