નવી દિલ્હીઃ ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’માં પોતની એક્ટિંગથી જાણીતી થયેલ અહાના કુમાર ફરી એક વખત ચર્ચામાં છે. અહાના પોતાની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ એક ઘટનાને કારણે ચર્ચામાં છે. અહાનાને ધોળા દિવસે એક ટેક્સી ડ્રાઈવરે કેદ કરીને ખંડણી માગી હતી. આ વાતનો ખુલાસો ખુદ અહાનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કર્યો છે.


અહાના શિમલાથી ચંદિગઢ જઈ રહી હતી. આ દરમિયાન તેણે એક કેબ બુક કરાવી હતી. જેનું પેમેન્ટ તેણે કરી દીધું હતું. જોકે, કેબ ડ્રાઈવરનું કહેવું હતું કે તેને કંપની તરફથી પેમેન્ટ મળ્યું નથી. જેના કારણે ટેક્સી ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ અહાનાને કલાકો સુધી બંધક બનાવી હતી. જ્યાં સુધી કંપની તરફથી તેને રુપિયા ન મળ્યા ત્યાં સુધી તે કેદમાં રહી હતી.


આ દરમિયાન અહાના ઓનલાઈન હતી અને પોતાની સાથે આ ભયાનક ઘટના વિશે ટ્વિટ કરી હતી. તેણે લખ્યું કે કેબ સર્વિસ તરફથી રૂપિયા ન મળવાના કારણે મને રસ્તા વચ્ચે જ ખંડણી માટે ગોંધી રાખવામાં આવી હતી.


કંપનીનો ઉલ્લેખ કરીને તેણે આ સફરને નિરાશાજનક ગણાવી હતી. આ ટ્રિપ અહાના માટે નિશ્ચિત રીતે ભયાનક રહી હશે પરંતુ તે કોઈપણ ભોગે સુરક્ષિત રીતે અમૃતસર પહોંચી હતી. જેની જાણકારી તેણે ટ્વિટ કરીને જ આપી હતી. આ સાથે જ તેણે કેબ કંપનીનો બોયકોટ કરવાની પણ અપીલ કરી હતી.