મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનુપમ શ્યામ કિડની ઈન્ફેક્શનના કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. શ્યામ માત્ર સ્વાસ્થ્ય સંબંધી પરેશાની સામે ઝઝૂમી નથી રહ્યો પરંતુ પૈસાની તંગીનો પણ સામનો કરી રહ્યો છે. તેના નજીકના મિત્ર અને ફિલ્મકાર એસ રામચંદ્રને સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે. એકટરે સોનુ સૂદ અને આમિર ખાન પાસે મદદ માંગી છે.

રામચંદ્રને ટ્વિટ કરીને લખ્યું, "તે ગોરેંગાવની લાઇફલાઇન હોસ્પિટલમાં છે. તે વોટ્સએપ ગ્રુપમાં મદદ માંગી રહ્યો છે. આમિર ખાન અને સોનુ સૂદ પાસે પણ મદદ માંગી છે." 62 વર્ષીય અનુપમ શ્યામ કિડનીની તકલીફના કાણે હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ છે. જ્યાં તેની હાલત નાજુક છે.



અનુરાગે કહ્યું, છેલ્લા 9 મહિનાથી તે ડાયાલિસિસ કરાવી રહ્યો છે પરંતુ પૈસાની તંગીના કારણે છ મહિનાથી સારવાર બંધ કરાવી દીધી છે. ગઈકાલે રાત્રે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે સારવાર માટે આર્થિક મદદ માંગી રહ્યો છે.

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં જન્મેલા અને નાટકની દુનિયાથી અભિનયની શરૂઆત કરનારા અનુપમ શ્યામે 'હજારો ખ્વાઈશે એસી', 'પરઝાનિયા', 'લજ્જા', 'નાયક', 'દુબઈ રિટર્ન્સ', 'શક્તિઃ ધ પાવર', 'બેંડિટ ક્વીન', 'સ્લમડોગ મિલિયોનેર' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ટીવી સીરિયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા'માં તેણે ઠાકુર સજ્જન સિંહનો રોલ કર્યો હતો. જે માટે તેને એવોર્ડ પણ મળ્યો હતો.