Delhi Ganesh Death: તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી બીમાર હતા, ત્યારબાદ તેમણે 9 નવેમ્બર, 2024 (શનિવાર)ના રોજ 80 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. તેમના પુત્ર મહાદેવને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી ગણેશે પોતાના ફિલ્મી કરિયરમાં 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા દિલ્હી ગણેશના પુત્ર મહાદેવને લખ્યું - 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા દિલ્હી ગણેશનું 9 નવેમ્બરે રાત્રે લગભગ 11 વાગ્યે નિધન થયું છે. કમલ હાસનની ઈન્ડિયન 2 દિલ્હી ગણેશની છેલ્લી ફિલ્મ હતી.
દિવંગત અભિનેતા દિલ્હી ગણેશે 1976માં બાલાચંદરની ફિલ્મ 'પત્તિના પ્રવેશમ'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે તમિલ, તેલુગુ અને મલયાલમમાં 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. નાયકન, માઈકલ માધના કામ રાજન, સિંધુ ભૈરવી, ઈરુવર જેવી ઘણી ફિલ્મોમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે છેલ્લે કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2'માં જોવા મળ્યા હતા.
દિલ્હી ગણેશ દિલ્હીના રહેવાસી હતા અને તેનું નામ ડિરેક્ટર બાલાચંદરે આપ્યું હતું. અભિનેતા દક્ષિણ ભારત નાટક સભાના સભ્ય હતા, જે દિલ્હીની થિયેટર મંડળી હતી. તેમણે એક દાયકા સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી.
વર્ષ 2021માં સિનેમા એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં દિલ્હી ગણેશે કહ્યું હતું કે, તેને કમલ હાસન સાથે કરેલી તમામ ફિલ્મો પસંદ છે. તેણે કહ્યું હતું કે, 'મને કમલ હાસન સાથે કરેલી તમામ ફિલ્મો ખૂબ જ પસંદ છે. મને લાગે છે કે તેણે મને સૌથી વધુ ઓળખ આપી. અવ્વાઈ શનમુગી, તેનાલી, માઈકલ મડાના કામા રાજન અને અપૂર્વ સગોધરર્ગલ એવી કેટલીક ફિલ્મો છે, જે ધ્યાનમાં આવે છે. કમલ કલાકારોને ઘણી જગ્યા આપે છે અને તે તમારા પર વિશ્વાસ કરે છે. તે બધા તફાવત બનાવે છે.