નવી દિલ્હીઃ મૂળ ગુજરાતી અને હોલિવૂડના નેતા કલ પેન (Kal Penn)એ ટ્વિટર પર ભારતીય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકામાં જન્મેલ ગુજરાતી કલ પન (Kal Penn)એ ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં આ ઇચ્છા વ્યક્ત કરી છે.


વીડિયોમાં તે ગુજરાતી ભૂમિકા ‘લેડિસ ભાઈ’ના અંદાજમાં જોવા મળી રહ્યો હતો. કાલ પેને વીડિયો શેર કરતાં લખ્યું, “લેડીઝ ભાઈને મળો. એક જૂનું ગુજરાતી પાત્ર. પચરંગી શર્ટમાં.” જણાવી દઈએ કે, કાલ પેન અમેરિકન એક્ટર, કોમેડિયન, પ્રોડ્યુસર છે. કાલ પેન ટીવી શો ‘હાઉસ’માં લૉરંસ કુટનરનું પાત્ર ભજવીને જાણીતો થયો. આ સિવાય ‘હેરાલ્ડ એન્ડ કુમાર’ ફિલ્મમાં કુમાર પટેલનું તેનું પાત્ર યાદગાર રહ્યું.


કાલ પેને શેર કરેલા વીડિયો પર ઘણા ફેન્સે તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની સલાહ આપી. ત્યારે એક પ્રશંસકને જવાબ આપતા કાલ પેને લખ્યું, “તમે મજાક કરી રહ્યા છો પરંતુ આ મારું લક્ષ્ય રહ્યું છે.”


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદી પણ પેનના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘હવે સમય પાકી ગયો છે કે કાલ પેન અમારા શોમાં આવે. બોલિવુડના ઘણા સેલિબ્રેટિઝ શોમાં આવી ચૂક્યા છે. હવે કાલ પેન જેવા ઈન્ટરનેશનલ સ્ટાર આવશે તો શાનદાર રહેશે. કાલ પેનની કોમિક ટાઈમિંગ કમાલની છે. અમે તેની ઈચ્છાને હકીકતમાં બદલવાનો પ્રયાસ કરીશું.’

આસિત કુમાર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “કલ્પેનભાઈ શો વિશે તમારા મોંઢે સાંભળીને સારું લાગ્યું. ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલની બાજુવાળો ફ્લેટ ખાલી છે. તમારું સ્વાગત છે. સાથે જ તમારા મિત્ર હેરાલ્ડને પણ લઈને આવજો.” જણાવી દઈએ કે, મૂળ ગુજરાતી અમેરિકન એક્ટરનું અસલી નામ કલ્પેન સુરેશ મોદી છે.