મુંબઈ: ‘ઈન્ડિયન આઈડલ સીઝન-11’ના સેટ પર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની બહુ જ ચર્ચાએ જોર પકડ્યું છે. ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ કલાકાર આ શોમાં આવે તો તે નેહા અને આદિત્યના લગ્નની ચર્ચામાં ભાગ લે જ છે. આવું ફરી એક વાર થયું છે. બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને સારા અલી ખાન એકસાથે ઈન્ડિયન આઈડલના સેટ પર પહોંચ્યા હતા.

આ વખતે વેલેન્ટાઈન્સ-ડેને ખાસ બનાવવા માટે ઈમ્તિયાઝ અલી પોતાની ફિલ્મ ‘લવ આજ કલ’ 14 ફેબ્રુઆરીએ રીલિઝ કરી રહ્યા છે. આ ફિલ્મના પ્રમોશન માટે બંને સ્ટાર્સ ઈન્ડિયન આઈડલના સેટ પર પહોંચ્યા હતાં. જ્યાં અંકોના મુખર્જીએ ‘તેરે લિયે હમ હૈ જીયે’ ગીત પર હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ કાર્તિકે નેહા અને આદિત્યને તેમના લગ્ન માટે શુભેચ્છા પણ આપી હતી.

કાર્તિક આર્યને મજાકમાં કહ્યું હતું કે, તેને નેહા અને આદિત્ય બંને તરફથી આમંત્રણ મળશે કારણ કે તે બંનેનો સારો મિત્ર છે. આ વાત સાંભળીને નેહા કંઈ પાછળ રહી જાય તેમ નહોતી. તેણે કહ્યું હતું કે, કાર્તિકે દુલ્હન તરફથી હોવું જોઈએ કારણ કે તે મારા ભાઈ ટોની કક્કડનો સારો મિત્ર છે.

નેહાએ મજાક-મજાકમાં એમ પણ કહ્યું હતું કે, દુલ્હન તરફથી લગ્નમાં આવવું કાર્તિકનું કર્તવ્ય છે કારણ કે તે અને નેહા ઘણાં લાંબા સમયથી મિત્રો છે. કાર્તિકે ફરી કહ્યું હતું કે, હું બંને પક્ષ તરફથી આવીશ.

આ શોની પ્રતિસ્પર્ધી અંકોનાએ એમ પણ જણાવ્યું હતું કે, કાર્તિક તેનો પહેલો ક્રશ છે અને તે કાર્તિક સાથે ડાંસ કરવા માંગે છે. કાર્તિકે અંકોનાની આ ઈચ્છા પૂરી કરી હતી અને બંનેએ ‘લવ આજ કલ’ના ગીત શાયદ પર ડાંસ કર્યો હતો.