નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ કરવા મુદ્દે ભારતમાં વિવાદ યથાવત રહ્યો હતો. અમુક લોકો પ્રતિબંધને સમર્થન કરી રહ્યા છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, કલા અને કલાકારને આ બધી વસ્તુથી અલગ રાખવા જોઇએ. ન્યુઝ ચેનલ પર એક ડિબેટમાં આ મુદ્દાને અલગ રાખવાને સમર્થન આપતા દિગ્ગજ અભિનેતા ઓમ પુરીએ શહીદ જવાન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું,
જ્યારે તેમને ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનો અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તો અમે તેમને કહ્યું હતું કે, સેનામાં જાઓ? તેમણે વધુમાં કહ્યું હતું કે, '15-20 લોકોને તૈયાર કરો જે શરીર પર બોમ્બ બાંધીને પાકિસ્તાન જઇને ત્યાં તોડફોડ કરે.'
ઓમ પુરીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનને ઇજરાયલ અને ફિલિસ્તીન ના બનાવો. દેશના ઘણા લોકો પાકિસ્તાનમાં અને ત્યાના કેટલાક પરિવારો અહીં વસવાટ કરે છે. આવા વાતાવરણમાં યુદ્ધની વાત કરવાની જગ્યાએ સમાધાનના રસ્તા શોધાવા જોઇએ. તેમણે કહ્યું કે તેમના પિતા પણ ફોજમાં હતા.
આ પહેલા ઓમ પુરીએ કહ્યુ હતું કે,રાજનીતિ અને કલાને અલગ રાખવા જોઇએ. કલાકારોને પ્રતિબંધ કરવાથી દેશો વચ્ચેના હાલત નહી સુધરે. તેમણે એમ પણ કહ્યું કે, કલાકાર અને ગેર કાયદેસર રીતે ભારતમાં નથી આવતા, એટલા માટે તેમને હેરાન ના કરવા જોઇએ.
આ મામલે બૉલીવૂડ બે ભાગમાં વહેંચાયેલું છે. સલમાન ખાન, કરણ જોહર જેવા સ્ટાર પાક કલાકારોનું સમર્થન કરી રહ્યા છે. તો નાના પાટેકરનું કહેવું છે કે, દેશ સામે કલાકારોની કોઇ કિમત નથી.