નવી દિલ્હીઃ પંજાબ અજનાલા સેક્ટરની પાસે રાવી નદીમાં પાકિસ્તાનની એક સંદિગ્ધ બોટ મળી છે અને હવે બીએસએફ તેની તપાસ કરી રહી છે. પંજાબમાં અમૃતસરની પાસે ખાસા પોસ્ટના ક્કડ રાનિયા વિસ્તારમાં આ બોટ મળી છે અને આ જગ્યા પાકિસ્તાની સરહદની ખૂબ જ નજીક છે.
આ બોટ મળ્યા બાદ આતંકવાદીની ઘૂસણખોરીની શક્યતા વધી ગઈ છે. સ્થાનીક મહિલાઓ અનુસાર તેમણે બોટમાંથી કેટલાક સંદિગ્ધને ઉતરતા પણ જોયા છે.
આ સંદિગ્ધ બોટને જોયા બાદ બીએસએફ અને સેનાની વોટર વિંગ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષાદળો એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે ખરેખર બોટમાં બેસીને કોઈ ઘૂસણખોર ભારતની સરહદમાં દાખલ તો નથી થઈ ગયો ને.
જોકે, બીએસએફના ઉચ્ચ અધિકારીઓનું એ પણ કહેવું છે કે, રાવી નદીમાં પાણીની સપાટી વધવાથી બની શકે કે આ બોટ તણાઈને સરહદમાં આવી ગઈ હોય. આ ઘટનાના એક દિવસ પહેલા જ પોરબંદરમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.