મુંબઈઃ ‘લગાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં જોવા મળેલ દિગ્ગજ અભિનેતા રઘુવીર યાદવની પત્નીએ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. પૂર્ણિમા અને રઘુવીર છેલ્લા 25 વર્ષથી એક બીજાથી અલગ રહે છે. પૂર્ણિમાએ પતિ રઘુવીર પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. પત્નીએ પોતાના પતિ રઘુવીર પાસે 1 લાખ રૂપિયા ઇન્ટર્મ મેંટેનન્સ અને 10 કરોડ રૂપિયાની એલિમની માગી છે.


અરજીકર્તા (પૂર્ણિમા)નું કહેવું છે કે રિસ્પોન્ડન્ટ (રઘુવીર)નું આચરણ અને વ્યવહાર, મને દગો દેવો અને લગ્નેત્તર સંબંધને કારણે તે અરજીકર્તાની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવાના દોષી છે. આ પરિસ્થિતિઓમાં અરજીકર્તા એવું માને છે કે તે હિંદુ લગ્ન અધિનિયમની કલમ અને ડિક્રી ઓફ ડાઈવોર્સની હકદાર છે.

પૂર્ણિમા કથક ડાન્સર છે. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે, 80ના દાયકાની શરૂઆતમાં તે કથક માટે વર્લ્ડ ટૂર કરી રહી હતી. તેણે બિરજૂ મહારાજના સાનિધ્યમાં ટ્રેનિંગ પણ લીધી હતી. ત્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં તેમની મુલાકાત રઘુવીર સાથે થઈ, જે ત્યારે સ્ટ્રગલિંગ એક્ટર હતા. 1988માં તેણે જબલપુર (મધ્ય પ્રદેશ) સ્થિત યાદવના ગામમાં લગ્ન કર્યા હતા. લગ્ન અચાનક થયા હતા, માટે કોઈપણ પ્રકારના કાર્ડ છાપવામાં આવ્યા ન હતા. પરંતુ પૂરાવા તરીકે તેની પાસે ફોટોગ્રાફ્સ છે.

1995માં ખુદ રઘુવીર યાદવ પણ આ લગ્નથી છૂટાછેડા લેવાની અરજી કરી ચૂક્યા છે. પૂર્ણિમાએ પોતાની અરજીમાં કહ્યું કે, તેણે 1995માં શંકા ગઈ હતી કે તેના પતિના પોતાની કો સ્ટાર સાથે સંબંધ છે પરંતુ તે આ લગ્નને બચાવવાનો પ્રયત્ન કરી રહી. તે સમયે રઘુવીરે જબલપુરમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. ઘણાં વર્ષો પછી તેણે આ અરજી પરત લઈ લીધી હતી.

રઘુવીર યાદવને પ્રકાશ ઝાના ટીવી શો ‘મુંગેરીલાલ કે હસીન સપને’થી ઓળખ મળી હતી, જે 80ના દાયકામાં ટેલીકાસ્ટ થયો હતો. ‘લગાન’ અને ‘પીપલી લાઇવ’ સહિત તેની 8 ફિલ્મો બેસ્ટ ફિલ્મ ઇન ફોરેન લેંગ્વેજ કેટેગરીમાં ઓસ્કર માટે મોકલવામાં આવી હતી.