નવી દિલ્હીઃ વધુ એક બોલિવૂડ એક્ટ્રેસે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. આરતી છાબરિયાએ મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ વિશારદ બીડસી સાથે લગ્ન કર્યા છે. આરતીના લગ્ન 24 જૂનના રોજ થયા. જોકે આ સીક્રેટ લગ્ન હતા. આરતીએ લગ્નનો ખુલાસો પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી કર્યો છે.



આરતીએ આ વર્ષના માર્ચ મહિનામાં વિશારદ સાથે સગાઈ કરી લીધી હતી જે બાદ તેના લગ્નને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. આરતીએ સ્પોટબોય સાથે વાત કરતાં પોતે સગાઈ કરી લીધી હોવાની વાતને કન્ફર્મ કરી હતી.



36 વર્ષની આરતી છાબરિયાએ કહ્યું કે મારા પરિવારને લાગતું હતું કે મને સૌથી સારો છોકરો મળશે. હું જ્યારે વિશારદને મળી ત્યારે મને તે વાતનો અનુભવ થયો કે તેનામાં તે બધા ગુણો છે જેના વિશે હું સપનાઓ જોતી હતી. હું નસીબદાર છું કે આટલા લાંબા સમય સુધી રાહ જોયા બાદ હવે મારા અરેન્જ મેરેજ થઈ ગયા છે.



આરતી છાબરિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આરતીએ બોલિવુડમાં કરિયરની શરૂઆત ફિલ્મ તુમસે અચ્છા કૌન હૈથી કરી હતી. આ સિવાય તે લજ્જા, શાદી નંબર વન, પાર્ટનર અને હે બેબીમાં કામ કરી ચૂકી છે. આરતી રિયાલિટી શો ખતરો કે ખિલાડીના ચોથા સીઝનની વિનર રહી ચૂકી છે આ સિવાય તેણે ઝલક દિખલા જાની છઠ્ઠી સીઝનમાં પણ ભાગી લીધો હતો.