મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે રવિવારે જેએનયૂમાં થયેલી હિંસા મુદ્દે નિવેદનઆપ્યું છે. અભિનેત્રી કંગના રનૌતે જેએનયૂ હિંસાને કોલેજ ગેંગવોર ગણાવી છે. તેણે એવી સલાહ આપી કે આને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાને બદલે તેની સાથે જોડાયેલ લોકોને કસ્ટડીમાં લેવા જોઈએ અને થપ્પડ મારવી જોઈએ. અભિનેત્રી કંગના રનૌતે જેએનયૂ વિવાદ પર કહ્યું, જેએનયૂમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની તપાસ ચાલી રહી છે. મેં આ મુદ્દે એ જ જોયું છે કે ત્યાં બે પ્રકારના લોકો હતા. એક ABVP વાળા અને બીજા JNU વાળા. આ બે પ્રકારના યુનિયન છે.


અભિનેત્રીએ કહ્યું કોલેજમાં ગેંગવોર થવી સામાન્ય વાત છે. જ્યારે હું ચંદીગઢમાં ભણી રહી હતી અને જે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી તેની પાસે જ એક બોય્ઝ હોસ્ટેલ પણ હતી. ત્યાં એવી સ્થિતિ હતી કે ખુલ્લમ ખુલ્લા મર્ડર પણ થઇ જતા હતા. એકવાર જે છોકરાનું મર્ડર થવાનું હતું તે અમારી હોસ્ટેલના ગેટની અંદર કૂદી ગયો. તેને અમારા મેનેજરે બચાવ્યો હતો.

કંગનાએ વધુમાં જણાવ્યું કે મારું માનવું છે કે આ પ્રકારની ગેંગવોરમાં બંને પક્ષના લોકો ઘાયલ થાય છે. આને ચલાવનારા ઘણા આક્રમક હોય છે. શું આ રાષ્ટ્રીય મુદ્દો બનવા લાયક છે. બિલકુલ નહીં. આ પ્રકારના લોકોને પોલીસ કસ્ટડીમાં લઈને થપ્પડ મારવી જોઈએ જેથી એમની બધી હવા નીકળી જાય.