‘છપાક’ બદલે આ લોકો અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વોરિયર’ જોવાની અપીલ કરી રહ્યા છે. જોકે હવે આ વચ્ચે અજય દેવગને આ સંપૂર્ણ વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે અને બંને ફિલ્મો સારી છે અને લોકોએ બંને ફિલ્મો જોવી જોઈએ એવું નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ તાનાજી 10 જાન્યુઆરી એટલે કે શુક્રવારે રિલીઝ થઈ છે.
અજય દેવગણે ટ્વિટ કરતા લખ્યું કે ‘મેં હંમેશાં એવો પ્રયાસ કર્યો છે કે આપણે યોગ્ય તથ્યની રાહ જોવી જોઈએ. હું તમામ લોકોને અપીલ કરું છું કે આપણે શાંતિ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારવી જોઈએ. આ મુદ્દે ક્યારેય કોઈ પ્રકારની બેદરકારી રાખવી જોઈએ નહીં.’
અહીં ઉલ્લેખનીય છે કે અજય દેવગણ એક સીનિયર એક્ટર છે અને આ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ પણ શુક્રવારે દીપિકાની ફિલ્મ ‘છપાક’ સાથે રિલીઝ થઈ છે.
આ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં અજય દેવગણે કહ્યું હતું કે હું સવારથી આ સમાચાર જોઈ રહ્યો છું અને હજુ સુધી તે જાણવા નથી મળ્યું કે કોણે શું કર્યું છે. જ્યાં સુધી બધું સ્પષ્ટ થાય નહીં ત્યાં સુધી આ મુદ્દે કોમેન્ટ કરવી જોઈએ નહીં. હાલ જે કશું પણ થઈ રહ્યું છે તે દુ:ખદ છે. હિંસા કોઈ વિકલ્પ નથી અને આ કારણે દેશને નુક્સાન થઈ રહ્યું છે. જ્યાં સુધી કોઈ મુદ્દાને સંપૂર્ણરીતે સમજીએ નહીં ત્યાં સુધી આપણે ચૂપ રહેવું જોઈએ.
આપને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ JNU કેમ્પસમાં મારપીટ અને સર્વર રૂમમાં તોડફોડ થઈ હતી. આ હિંસામાં કેટલાક વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ ઘટના બાદથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શન દરમિયાન થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણ તેની ફિલ્મ છપાકની રજૂઆત પહેલા વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે JNU પહોંચી હતી. પરંતુ ત્યાર બાદથી કેટલાક લોકો તેની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. દીપિકાની ફિલ્મ છપાક પણ 10 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ છે.