બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ જણાવ્યું હતું કે, બોલીવુડમાં એક સાચા મિત્રને શોધવો જે દરેક સંજોગોમાં તમારી બાજુમાં ઉભો રહે તે મળવો મુશ્કેલ છે. આ બાબતમાં તે પોતાની જાતને ખુબ જ નસીબદાર માને છે કારણ કે તેની પાસે અર્જુન કપૂર જેવો મિત્ર છે.
એક કાર્યક્રમમાં હાજર રહેલી આ અભિનેત્રીએ અર્જુન સાથે પોતાના સંબંધ અંગે ખુલીને વાત કરી હતી. પરિણીતિને જ્યારે અર્જુન સાથે તેના સંબંધ અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે ખુબ જ સારી મિત્રતા છે. પરિણીતિએ કહ્યું હતું કે, બોલીવુડમાં એક સારો મિત્ર મળવો મુશ્કેલ છે અને અર્જુન મારો એક ખુબ જ સારો મિત્ર છે.
અર્જુન સાથે પોતાની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી અંગે પરિણીતિએ કહ્યું કે, મારા ફોનમાં તમે જોશો તો તમને ખબર પડશે કે મારી ગેલેરીમાં 50થી વધારે સેલ્ફી પડી હોય છે જે અર્જુનની હોય છે.
પરિણીતિ ચોપડા અને અર્જુન કપૂર ફિલ્મ ‘ઈશ્કબાજે’ અને ‘નમસ્તે ઈગ્લેંડ’માં સાથે કામ કરી ચુક્યા છે. બંને ફરી એકવાર ફિલ્મ ‘સંદીપ ઓર પિંકી ફરાર’માં નજર આવશે. ફિલ્મના પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે પણ આ ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ઠેલવવામાં આવી રહી છે.