મુંબઈ: મંદિરમાંથી ચપ્પલ ચોરાઈ જવા નવાઈની વાત નથી. તમે ભગવાનના દર્શન કરવા ગયા હો અને પાછા આવો ત્યારે ચપ્પલ જ ના હોય તો એ વખતે આઘાત લાગે છે. તો હાલમાં જ આવી જ એક ઘટના બોલિવુડની જાણીતી એક્ટ્રેસ સાથે બની હતી.

અભિનેત્રી સ્વરા ભાસ્કર મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજાના દર્શન કરવા ગઈ હતી. તૈયાર થઈને મંદિર પહોંચેલી સ્વરાએ કોલ્હાપુરી ચપ્પલ પહેર્યાં હતાં. બાપાના દર્શન કરવા સ્વરા ચપ્પલ પહેરીને ગઈ હતી પરંતુ ઘરે ખુલ્લા પગે આવવાનો વારો આવ્યો હતો. આખો દેશ હાલ ગણેશ ભક્તિમાં લીન થયો છે ત્યારે બોલિવુડ સેલેબ્સ પણ ગણપતિના દર્શન કરવાનું ચૂકતા નથી. ત્યારે સ્વરા ભગવાનના આશીર્વાદ લેવા ગઈ હતી અને ચપ્પલ ચોરાઈ ગયા હતાં.

આ ઘટના મંગળવારે રાત્રે બની હતી જેનો વીડિયો સ્વરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ શેર કર્યો હતો. વીડિયોમાં સ્વરા લાલ રંગના ડ્રેસમાં ખુલ્લા પગે રસ્તા પર ચાલતી જોવા મળે છે.


ચપ્પલ ચોરાઈ જવાની ઘટના પર હસતાં-હસતાં સ્વરાએ કહ્યું હતું કે, આ હોય છે સાચી શ્રદ્ધા, ખુલ્લા પગે ભગવાન પાસે ગઈ છું. સ્વરાએ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, મુંબઈના સૌથી પ્રચલિત દેવતાના દર્શન કરવાનો ફાયદો શું જો તમારા ચપ્પલ ના ચોરાય તો.