નવી દિલ્હીઃ બોલિવૂડ ડાયરેક્ટર ફરાહ ખાનની અપકમિંગ ફિલ્મ સત્તે પે સત્તા રીમેક ઘણાં લાંબા સમયથી અટકી પડી છે. રોહિત શેટ્ટી અને ફરાહ ખાને જ્યારે આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે બધા ખૂબ જ ઉત્સાહિત હતા કારણ કે બધાને જોવું હતું કે ફરાહ ખાન આ કહાનીને પોતાની સ્ટાઈલમાં કેવી રીતે રજૂ કરે છે. જોકે આ ફિલ્મ પોતાના કાસ્ટિંગને લઈને સતત અટકી પડી રહી.



થોડા દિવસ પહેલા અહેવાલ હતા કે રિતિક રોશનને ફરાહ ખાનની આ ફિલ્મની કહાની પસંદ નથી પડી જેના કારણે તેણે આ ફિલ્મથી છેડો ફાડી નાંખ્યો છે. આ અહેવાલ બાદ એવી પણ અટકળો ચાલી છે કે રોહિત શેટ્ટીના બેનર હેઠલની આ ફિલ્મ બંધ થવાની સ્થિતિમાં છે.

હવે જાણકારી મળી છે કે, ‘સત્તે પે સત્તા’ની રિમેક માટે હૃતિકના ઇનકાર બાદ અજય દેવગણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, અજયે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. અજયે આમ પોતાના ખાસ મિત્ર રોહિત માટે કર્યું  હોવાનું કહેવાય છે. રોહિત અને અજય ખાસ મિત્રો છે.



છેલ્લા ઘણા મહિનાઓથી રોહિત અને ફરાહ આ ફિલ્મના મુખ્ય પાત્રને લઇને મૂંઝવણ અનુભવતા હતા. એવામાં તેમણે અજયનો સંપર્ક કર્યો હતો, આ પછી અજયે હા પાડી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.