નવી દિલ્હીઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર તેના યુટ્યુબ ચેનલ પર સતત વીડિયો પોસ્ટ કરતો રહે છે અને ક્રિકેટ અંગે પોતાના વિચાર રજૂ કરે છે. ત્યારે હવે તાજેતરમાં શોએબ અખ્તરે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 ટી20 મેચોની સિરીઝની બીજી મેચ અંગે વાત કરતા નજરે આવી રહ્યો છે.


આ વીડિયોમાં અખ્તરે કહ્યું કે વિરાટ કોહલીની કેપ્ટનશિપ વાળી ભારતીય ટીમ હવે ધીમે-ધીમે નિર્દયી બની રહી છે. અને આ વાત ને એકવાર ફરી ન્યૂઝીલેન્ડ સામે બીજા ટી20માં એકતરફી જીત મેળવી સાબિત કરી છે. આપને જણાવી દઈએ કે ભારતે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટથી હરાવ્યું હતું. આ સાથે 5 મેચોની ટી20 સિરીઝમાં 2-0થી લીડ લીધી છે.



44 વર્ષીય અખ્તરે સાથે તે પણ કહ્યું છે કે ક્રિકેટમાં ધીમે ધીમે સ્પર્ધા સમાપ્ત થઈ રહી છે કેમ કે ટીમો લડવાની ક્ષમતા દેખાડી રહી નથી. હાલમાં ભારતીય ટીમનો દબદબો છે પરંતુ બીજી ટીમોને શું થઈ ગયું છે? જ્યારે ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ ક્રિકેટ પર દબદબો હતો ત્યારે ભારત અને પાકિસ્તાન તેને પડકાર આપતું હતું. આપણે ન્યૂઝીલેન્ડમાં જે જોઈ રહ્યા છે તેમાં તો કેન વિલિયમ્સનની ટીમે સંપૂર્ણ રીતે ભારત સામે સરેન્ડર કરી દીધું છે.

નોંધનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટી20 મેચ હેમિલ્ટનમાં 29 જાન્યુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયાએ હાલમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. જો ભારત ત્રીજી ટી20 જીતી લેશે તો તે સિરીઝ પણ પોતાના નામે કરી લેશે.