મુંબઈ: સુપરસ્ટાર અક્ષય કુમાર પોતાની ફિલ્મની સાથે-સાથે રીયલ લાઈફને લઈને ફેન્સ વચ્ચે ખૂબ જાણીતા છે. નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર અક્ષય કુમારે એક રિયાલિટી શોના સેટ પર એક બેભાન વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. અભિનેતા પોતાની આગામી ફિલ્મ 'હાઉસફુલ 4' પ્રમોશન માટે શોમાં ગયો હતો. ક્રૂના સદસ્યો વ્યક્તિ સુધી પહોંચે તે પહેલા જ એક્ટર તે સ્પોટ સુધી ચડીને પહોંચી ગયો હતો.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે જે ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


વીડિયો શેર કરતા જાણકારી આપવામાં આવી છે કે મનીષ પોલના નવા રિયાલિટી શોમાં પોતાની આગામી ફિલ્મ હાઉસફુલ 4ના પ્રમોશન માટે ગયેલા એક્ટર અક્ષય કુમારે સેટ પર હાર્નેસ પહેરેલા બેભાન વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિનેતા અલી અસગર અને તેની પાછળ ઉભેલા ક્રૂ મેમ્બરને હોર્નેસ પહેરી વોટર ટેન્કમાં ઉભા જોવા મળી રહ્યા છે. ત્યારે અચાનક ક્રૂ મેમ્બર પાછળના ભાગે બેભાન થઈ પડી જાય છે.

અલી તેના પડવાથી બચાવવાની કોશિશ કરે છે અને આ દરમિયાન અન્ય કર્મીઓ પણ તેને બચાવવા માટે દોડે છે. પરંતુ આ તમામની પહેલા અક્ષય વોટર ટેન્ક ઉપર ચડીને ત્યાં પહોંચે છે અને બેભાન વ્યકિતની મદદ કરે છે.