નવી દિલ્હીઃ શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ નાણાંકીય વર્ષ 2019-20 માટે જીડીપી અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યો છે. જ્યારે નાણાંકીય વર્ષ 2020-21 માટે જીડીપી અંદાજ 7.2 ટકા કર્યો છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટિની સમીક્ષી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. તેનાથી કેન્દ્રની મોદી સરકારની પાંચ ટ્રિલિયન ઈકોનોમી બનાવવાની કવાયતને મોટો ઝાટકો લાગી શકે છે.


જોકે આરબીઆઈની સમીક્ષા બેઠકમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષના બીજા છ માસિક ગાળામાં વૃદ્ધદરમાં સુધારો થશે. આરબીઆઈએ કહ્યું છે કે, સરકારના ઉપયોગી પગલાં, નીતિગત દરોમાં ઘટાડો અને અનુકૂળ મૂળભૂત પરિબળોના આધારે ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિની ગતિમાં સુધારો થઈ શકે છે.

રિઝર્વ બેંકે 2020-21માં દેશની આર્થિક વૃદ્ધિદર ફરી 7 ટકા સુધી પહોંચવાનો અનુમાન લગાવ્યો છે. રિપોર્ટ મુજબ જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડી ભંડોળ અને જાહેર ક્ષેત્રની બેંકોના મર્જરથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જીડીપી વૃદ્ધિની ગતિ વધારી શકાય છે. ઉપરાંત નિકાસ અને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને રેપો રેટ ઘટાડાનો લાભ ઝડપથી નીચે પહોંચાડવાથી વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરશે. જોકે સરકારના 5 ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યને પ્રાપ્ત કરવા સંબંધમાં આર્થિક મામલોના જાણકાર માને છે કે વાર્ષિક ધોરણે 8થી 10 ટકા દરથી જીડીપી ગ્રોથ જરૂરી છે.