અભિનેતા અલ્લુ અર્જુન સંધ્યા થિયેટર નાસભાગના કેસમાં શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ શનિવારે સવારે જેલમાંથી બહાર નીકળ્યો હતો જેમાં 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે આ કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ પુષ્પા 2 સ્ટાર પાછલા દરવાજેથી જેલ પરિસરમાંથી નીકળી ગયો હતો.
અભિનેતાની શુક્રવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને નીચલી અદાલતે 14 દિવસના ન્યાયિક રિમાન્ડ પર મોકલી દીધો હતો. બાદમાં, તેને તેલંગાણા હાઈકોર્ટ દ્વારા 50,000 રૂપિયાના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.અભિનેતાના વકીલ અશોક રેડ્ડીએ જણાવ્યું હતું "તેમને હાઈકોર્ટમાંથી ઓર્ડરની નકલ મળી હતી પરંતુ તેમ છતાં, તેઓએ અલ્લુ અર્જુનને છોડ્યો ન હતો...તેમણે જવાબ આપવો પડશે...આ ગેરકાયદેસર અટકાયત છે, અમે કાયદાકીય પગલાં લઈશું.
અહેવાલો અનુસાર, જામીન ઓર્ડરની નકલો સમયસર અપલોડ કરવામાં આવી ન હતી, જેના કારણે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળવા છતાં જેલમાં રાત વિતાવવી પડી હતી.અભિનેતા આજે સવારે 7-8 વાગ્યાની વચ્ચે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી બહાર નીકળશે તેવા અહેવાલો સામે આવ્યા બાદ અલ્લુ અર્જુનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ જેવી પરિસ્થિતિ દરમિયાન 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના આઠ વર્ષના પુત્રને 4 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પુષ્પા 2: ધ રૂલના પ્રીમિયર દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે હજારો ચાહકો સ્થળ પર ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઇ હતી.
ત્યારપછી, હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અને બાદમાં નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો, ત્યારબાદ તેને ભારે સુરક્ષા હેઠળ જેલમાં લઇ જવાયા હતા.
અલ્લુ અર્જુને તરત જ તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો, આરોપોમાંથી રાહત મેળવવા અને એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.
હાઈકોર્ટે તેમના નાગરિક તરીકેના મૂળભૂત અધિકારોને ટાંકીને તેમને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. જસ્ટિસ જુવવાદી શ્રીદેવીએ નોંધ્યું હતું કે અભિનેતા, તેની સેલિબ્રિટી સ્ટેટસ હોવા છતાં, આ ઘટના માટે પ્રાથમિક દૃષ્ટિએ જવાબદાર ગણી શકાય નહીં, કારણ કે તે માત્ર મૂવી પ્રીમિયરમાં હાજરી આપી રહ્યો હતા.
જો કે હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.