બિહાર: બિહારમાં પૂરથી અસરગ્ર્સત લોકોની મદદ માટે બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આગળ આવ્યા છે. બીગ બીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયાની મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ભારે વરસાદના કારણે રાજધાની પટના સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે.ક અમિતાભ બચ્ચને 51 લાખ રૂપિયાની સહાયતા રાશિ પોતાના પ્રતિનિધિ વિજય નાથ મિશ્ર મારફતે મોકલાવી હતી. જેને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને સોંપી હતી. તેની સાથે અમિતાભે મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે કુદરતી આફત છે, જેમાં તેઓ પોતાના તરફથી મદદ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને આ પહેલા બિહારના 2100 ખેડૂતોનું દેવુ પણ ચુકવ્યું હતું. જેની જાણકારી તેમણે પોતાના બ્લૉગ પર આપી હતી. બિહારમાં 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરે થયેલા ભારે વરસાદના કારણે પટના સહિત પ્રદેશના 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન રાજ્યમાં વરસાદની ઘટનામાં 73 જેટલા લોકોનો મોત થયા હતા.