નવી દિલ્હીઃ તબ્બૂ વિતેલા વર્ષે ફિલ્મ અંધાધૂનમાં પોતાનું દમદાર પરફોર્મેન્સ આપી ચૂકી છે. આયુષ્માન ખુરાના અને તબ્બૂની આ થ્રિલર ફિલ્મ સુપરહિટ ગઈ અને ભારત ઉપરાંત વિદેશમાં પણ ફિલ્મે સારી કમાણી કરી છે. ફિલ્મે ચીનમાં 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. તબ્બૂ જણાવે છે કે સતત તેને થ્રિલર ફિલ્મોની ઓફર્સ મળી રહી છે.



તબ્બૂએ કહ્યું કે, ‘આજે પણ લોકો વાત કરે છે કે થિયરી શું હોઈ શકે, શું થયું હશે. આવી કોઈ ભૂમિકા તમારી આસપાસ જોવા નહીં મળે. સિમીનો રોલ ખાસ હતો. મને પણ મજા આવી. આટલું જ નહીં ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને પણ આમા મજા આવી, આ માટે હું ટીમને શુભેચ્છા પાઠવું છું’.



તબ્બૂએ ફિલ્મને લઈને કહ્યું કે, ‘મેં એવું સાંભળ્યું છે કે મારી ફિલ્મ જોયા બાદ કેટલાક લોકો મારાથી ડરવા લાગ્યા છે. મારી બિલ્ડીંગના બાળકો પણ. તમે વિચારો કે કોઈ એક્ટરે કેટલી કિંમત ચૂકવવી પડે છે. હા, તમે નથી ઈચ્છતા કે લોકો તમારાથી ડરે’.



આવતા શુક્રવારે તબ્બૂની નવી ફિલ્મ રિલીઝ થવાની છે, જે એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં તેની સાથે અજય દેવગણ અને રકુલ પ્રીત સિંહ કો-સ્ટાર છે.