આ પહેલા પણ ગુજરાતમાં પાણીના મીટરો લગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ લોકોના વિરોધના ડરથી સરકાર આગળ વધી ન હતી. હવે જ્યારે ગુજરાતમાં પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે તેને પહોંચી વળવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફરી કવાયત હાથ ધરાઇ છે.
આ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ આ અંગે જણાવ્યું હતું કે, પાણીના કરકસરયુક્ત વપરાશ માટે મીટર હોય તે જરૂરી બન્યું છે. રાજસ્થાનના જોધપુરમાં મીટર પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે. ત્યાં કેવી અસર છે, કેટલી સફળતા મળી છે અને કઇ પદ્ધતિથી પાણી પુરવઠો અપાય છે અને કેવી રીતે વસૂલાત થાય છે તે તમામ બાબતનો રૂબરૂ જઇને અભ્યાસ કરાશે. તે પછી ગુજરાતમાં અમલીકરણ અંગે વિચારણા હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ, રાજ્યના 8 મહાનગરો, 250થી વધુ નગરપાલિકાઓ અને 18 હજાર જેટલા ગામમાં મીટર લગાવવાના યોજના છે. બાદમાં પછી શહેર અને ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાનો નિર્ણય જે તે મહાપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયત કરશે.