મુંબઈઃ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નને માત્ર છ દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈમાં આવેલું તેમનું ઘર એન્ટિલિયા દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ પહેલા અંબાણી પરિવારે સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્સમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું. જેમાં મોટા ભાગના બોલીવૂડના સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. એન્ટિલિયાને શણગારવામાં આવ્યું હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.



એન્ટિલિયામાં અંદર પંડાલ લગાવવામાં આવી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડ રવાના થતાં પહેલા એન્ટિલિયામાં દાંડિયા નાઈટ્સનું પણ આયોજન કરાયુંહતું. જેમાં ફાલ્ગુની પાઠક અને તુષાર ત્રિવેદીએ પર્ફોમ કર્યું હતું. લગ્ન માટે બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરણ જોહર સહિત સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય ટાઈગર શ્રોફ, દિશા પટણી અને મલાઈકા અરોરા-અર્જુન કપૂર પણ અંબાણી પરિવારમાં મહેમાન બનશે.



આકાશ અને શ્લોકાનું પ્રી-વેડિંગ વિન્ટર વંડરલેન્ડ થીમ પર આધારિત હતું. આ સેલિબ્રેશનમાં ચેન સ્મોકર મરૂન 5 બેન્ડે પર્ફોમ કર્યું હતું. આ પર્ફોમન્સમાં આકાશ અને શ્લોકાએ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આમિર ખાન, સલમાન ખાન અને કિંગ ખાને અંબાણી પરિવાર સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. આ સિવાય મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ફિલ્મ ‘વક્ત’ના ગીત ‘એ મેરી ઝોહર જબી...’ પર પર્ફોમ કર્યું હતું.


આકાશ અંબાણીની જાન તા. 9 માર્ચના રોજ ટ્રાઈડેન્ટ હોટેલથી બપોરે 3.30 વાગ્યે જિયો ગાર્ડન માટે રવાના થશે. લગ્ન બાદ તા. 10 માર્ચના રોજ પ્રથમ રિસેપ્શન યોજાશે. જેમાં બોલીવૂડ અને બિઝનેસ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ હાજરી આપશે. ત્યાર બાદ 11 માર્ચે બીજું રિસેપ્શન યોજાશે. શ્લોકા મહેતા ડાયમંડના વ્યાપારી રસેલ મહેતાના પુત્રી છે. આ ઉપરાંત ઈશા અને શ્લોકા બંને ખાસ મિત્રો છે. લગ્ન વખતે ઈશાએ વોગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં તેની સ્પષ્ટતા કરી હતી.