મુંબઈ: અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ બુલબુલનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાહુલ બોસ, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત એક બાળકથી થાય છે, જે એક ડોલીમાં બેઠેલી એક બાળકીને પુછે છે કે કહાની સાંભળીશ. ત્યારબાદ આ એક હોરર સ્ટોરીમાં બદલવા લાગે છે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મની સ્ટોરી બાળકી દુલ્હન અને બાળકો સાથે અન્યાયની આસપાસ છે.


ફિલ્મનું ટ્રેલર ખૂબ જ ડરામણું અને સસ્પેન્સથી ભરપુર છે. તેના બેકગ્રાઉન્ડમાં ડરામણા અવાજો આવે છે અને તેનું પિક્ચરાઈઝેશન ડાર્ક છે. તેમાં બાળ વિવાહ અને જમીનદારી પ્રથા સહિત ઘણા સામાજિક મુદ્દાઓને બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં રાહુલ બોસ સૌથી ખતરનાક જોવા મળી રહ્યો છે. તે એક મહિલા પર અત્યાચાર કરતા પણ જોવા મળે છે. ટ્રેલરમાં એક હવેલીને બતાવવામાં આવે છે. ફિલ્મની સ્ટોરી બંગાળ પર આધારિત લાગી રહી છે.



અનુષ્કા શર્માએ ટ્રેલર શેર કરતા લખ્યું, બુલબુલનું ઓફિશિયલ ટ્રેલર, શુ થાય છે જ્યારે આપણા બાળપણની સ્ટોરીઓ સાચી સાબિત થાય છે? બુલબુલ ખૂબ જ જલ્દી નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ મુજબ, આ ફિલ્મ 20મી શદીના બંગાળમાં સ્થાપિત એક ભારતીય કથા છે. આ ફિલ્મ એક યુવાન છોકરી બુલબુલની માસૂમીથી લઈને મજબૂતી સુધીનો સફર નક્કી કરે છે.

આ ફિલ્મને અનવિતા દત્તે ડાયરેક્ટ કરી છે. રાહુલ બોસ, તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી સિવાય પાઓલી ડેમ અને પરમબ્રતા ચટ્ટોપાધ્યાય લીડ રોલમાં છે. ફિલ્મ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.