મુંબઈ: બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક ગે વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરની શરૂઆતમાં આયુષ્માન ખુરાનાને એક શખ્સ પૂછે છે કે, તમે ક્યારે નક્કી કર્યું કે ગે બનશો.



આ ટ્રેલરમાં ડાયલોગ્સ પણ મજેદાર છે. બેકગ્રાઉન્ડમાં 'પ્યાર બિના ચેન કહા રે...' ગીત વાગી રહ્યું છે. ટ્રેલર તમને ખૂબ હસાવશે. ટ્રેલરમાં નીના ગુપ્તા કહી રહી છે કે, સુપ્રિમ કોર્ટ જે ફટાકડા પર ચર્ચા કરી રહી છે, તે પોતાના આંગણામાં ફૂટી રહ્યાં છે. આયુષ્યમાને પોતાના લૂકમાં પણ બદલાવ કર્યો છે. તે નાકમાં નાની રિંગ પહેરેલો દેખાય છે. ટ્રેલર રિલીઝ થતા જ જબરદસ્ત વાયરલ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે.

આ પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું હતું. જેમાં આયુષ્માનને જિતેન્દ્રના ખોળામાં બેસેલો દેખાડાયો છે. જેણે દુલ્હાનો ડ્રેસ પહેર્યો છે. આયુષ્માન આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક છે. તેણે કહ્યું કે, એક મનોરંજક ફિલ્મ હોવાના નાતે તેને વધુ લોકો સુધી પહોંચાડવી અને તેમનુ મનોરંજન કરવાનું પસંદ કરીશ.

ઉલ્લેખનીય છે કે, બધાઈ હો બાદ આ ફિલ્મમાં આયુષ્માન ફરીથી નીના ગુપ્તા અને ગજરાજ રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં મનુ ઋષિ અને સુનીતા રાજવાર પણ મહત્વની ભૂમિકામાં છે. ભૂમિ પેંડનેકર પણ આ ફિલ્મમાં નજર આવશે. ફિલ્મના ડાયરેક્ટર હિતેશ કેવલ્યા છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને આનંદ એલ રોય કરી રહ્યાં છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે.