B'day: આ હૉટ એક્ટ્રેસ હવે નથી કરતી એક્ટિંગ, વિતાવી રહી છે વ્યસ્ત સાંસારિક જીવન
નમ્રતા છેલ્લે ફિલ્મે 'બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ' અને 'રોક સકો તો રોક લો'માં જોવા મળી હતી. ફિલ્મ માટે તેને આઇફા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં નમ્રતા શિરોડકરે એક્ટિંગ છોડી દીધી અને હવે પોતાની પારિવારિક લાઇફમાં વ્યસ્ત થઇ ગઇ છે.
નવી દિલ્હીઃ વર્ષ 1993માં મિસ ઇન્ડિયાનો એવોર્ડ પોતાના નામે કરનારી સુંદરી નમ્રતા શિરોડકર આ વર્ષે પોતાનો 46મો જન્મદિવસ મનાવી રહી છે. બૉલીવુડની આ અભિનેત્રી નમ્રતા શિરોડકર આજકાલ લાઇમલાઇટથી બિલકુલ દુર છે, મિસ ઇન્ડિયા બન્યા બાદ ચર્ચામાં આવી હતી. એકસમયની હૉટ એક્ટ્રેસમાં સ્થાન મેળવનાર આ હિરોઇન અત્યારે પોતાના સાંસારિક જીવનમાં વ્યસ્ત થઇ ગઇ છે.
વર્ષ 2000માં તેલુગુ ફિલ્મ 'વાનસી'ના શૂટિંગ દરમિયાન તેની મુલાકાત સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે થઇ, નમ્રતાથી મહેશ બાબુ ત્રણ વર્ષ નાનો છે પણ થોડાક વર્ષો બાદ ફેબ્રુઆરી, 2005માં બન્નેએ લગ્ન કરી લીધા. હાલ તેમના બે બાળકો છે ગૌતમ અને સિતારા.
ફિલ્મ પુકાર, હેરાફેરી, અસ્તિત્વ, કચ્ચે ધાગે, તેરા મેરા સાથ રહે અને એલઓસી કારગીલ જેવી ફિલ્મમાં નમ્રતા શિરોડકરે સારુ કામ કર્યું. જોકે બાદમાં સાઉથની ફિલ્મમાં પણ પોતાનો જલવો બતાવ્યો હતો.
નમ્રતા શિરોડકરે પોતાના કરિયરની શરૂઆત 1993માં મૉડલિંગથી કરી, ત્યારબાદ ફિલ્મ 'જબ પ્યાર કીસી સે હોતા હૈ'માં એક નાનો અમથો રોલ કર્યો હતો. આ તેની પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ સંજય દત્ત સાથે 'વાસ્તવ'માં જોવા મળી.
નમ્રતા શિરોડકરે મીઠીબાઇ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો, તેનું બાળપણ પણ ફિલ્મી માહોલમાં વિત્યું અને બહેન અને દાદીની જેમ તે પણ બાદમાં અભિનય ક્ષેત્રમાં આવી હતી.
મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ પરિવારમાં 22 જાન્યુઆરી, 1972ના રોજ નમ્રતા શિરોડકરનો જન્મ થયો હતો, તેની મોટી બહેન શિલ્પા શિરોડકર પણ એક પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. દાદી પણ એક સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી, જેમનું નામ મિનાક્ષી છે.