મુંબઇઃ બોલીવુડના નવા સ્ટાર કપલ  કેટરિના કૈફ અને વિક્કી કૌશલનાં લગ્ન ગુરૂવારે થવાનાં છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલે પોતાનાં લગ્નની તસવીરોનો સોદો એક મેગેઝિન સાથે કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વાતને સત્તાવાર સમર્થન નથી મળતું ત્યાં  હવે આ લગ્નની તસવીરો અને વીડિયો અંગે  એક નવી વાત બહાર આવી છે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કેટરિના કૈફ અને વિક્કી કૌશલને ડિજિટલ પ્લેટફોર્મ પરથી લગ્નના ફૂટેજ માટે કરોડોની ઓફર આપવામાં આવી છે. 


સોશિયલ મીડિયાના એક પોર્ટલમાં દાવો કરાયો છે કે, એક જાણીતા  ઓટીટી પ્લેટફોર્મ તરફથી કેટરિના કૈફ અને વિક્કી કૌશલને લગ્નના ફૂટેજ માટે રૂપિયા 100 કરોડની ઓફર આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ કેટરિના કૈફ અને વિક્કી કૌશલનાં  લગ્નનું લાઈવ ટેલીકાસ્ટ કરીને પોતાના દર્શકો માટે સ્ટ્રીમિંગ કરવા ઇચ્છે છે. 


ભારતમાં આ રીતે સેલિબ્રિટી મેરેજનું લાઈવ ટેલીકાસ્ટ થતું નથી પણ પશ્ચિમના દેશોમાં સેલિબ્રિટીઓ પોતાના લગ્નનાં ફૂટેજ અને તસવીરો મેગેઝિન અને ચેનલોનો જંગી રકમમાં સોદો કરે છે. લગ્નનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે અઢળક રકમ લેવું અમેરિકા તથા પશ્ચિમના દેશોમાં સામાન્ય છે.


કેટરિના કૈફ અને વિક્કી કૌશલને 100 કરોડની ઓફ કરનાર ઓટીટી પ્લેટફોર્મ પણ બહારનું છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નનું સ્ટ્રિમિંગ કરીને આ પ્લેટફોર્મ આ ટ્રેન્ડ ભારતમાં પણ લઇ આવવા માંગે છે. આ કારણસર તેણે લગ્નની ફ્રેન્ચાઇઝી માટે કેટરિના કૈફ અને વિક્કી કૌશલને રૂપિયા 100 કરોડની ઓફર આપી છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલે આ ઓફર સ્વીકારી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. 


ભૂતકાળમાં આ જ ઓટીટી પ્લેટફોર્મે દીપિકા પદુકોણ અને રણવીર સિંહને પણ લગ્નના ફૂટેજ માટે આવી જ ઓફર આપી હતી એવો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.