અમદાવાદઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને પછાડીને ભવ્ય જીત મેળવી છે. બાઈડન અમેરિકાના 46મા પ્રમુખ બનવાના છે ત્યારે પોતાનાં નિવેદનોના કારણે વિવાદમાં રહેતી એક્ટ્રેસ કંગના રનૌતે વિચિત્ર ટ્વિટ કર્યું છે. કંગનાએ આગાહી કરી છે કે, બાઈડન એક વર્ષ પણ નહીં ટકે અને કમલા હેરિસ વરસ પછી પ્રમુખ બની જશે.

કંગનાએ કહ્યું છે કે, બાઈડનને એ લોકોએ ભરપૂર દવાઓ આપી છે પણ તે એક વર્ષ પણ નહીં ખેંચે. બાઈડનના બદલે કમલા હેરિસ જ પ્રેસિડેન્ટ બની જશે. કંગનાએ લખ્યું છે કે, એક મહિલાનો ઉદય થાય છે ત્યારે દરેક મહિલા માટે પણ રસ્તા ખૂલી જાય છે. આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરીએ.


કંગનાનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

કંગનાએ પોતાની ટ્વિટમાં જો બાઇડેનની તુલના આમિર ખાનની ફિલ્મ ગજનીના પાત્ર ગજની સાથે કરી છે અને કટાક્ષ કર્યો છે કે, ગજની બાઇડેન કેટલું ટકશે એ મને ખબર નથી કેમ કે તેમનો ડેટા દર પાંચ મિનિટે ક્રેશ થઈ જાય છે.

કંગનાના આ ટ્વિટની લોકો ટીકા કરી રહ્યા છે. આ ટ્વિટ કંગનાની હલકી માનસિકતા દર્શાવે છે એવો કટાક્ષ પણ કરી રહ્યા છે.