નવી દિલ્હી: ફિલ્મમેકર મીરા નાયરની વેબ સીરિઝ ‘A Suitable Boy’ વિવાદમાં ઘેરાઈ છે. આ વેબ સીરિઝ પર લવ જેહાદ ફેલાવવાના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. આ વેબ સીરિઝમાં ઈન્ટરરિલીઝનની પ્રેમ કહાની દર્શાવવા પર મધ્યપ્રદેશના ભાજપ નેતા ગૌરવ તિવારીએ વાંધો ઉઠાવ્યો છે.

ગૌરવ તિવારીએ રીવા પોલીસ મથકમાં નેટફ્લિક્સ વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે, નેટફ્લિક્સ આ સીરિઝ દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી રહ્યું છે. તિવારીએ નેટફ્લિક્સ પર એ પણ આરોપ લગાવ્યા છે કે, આ વેબ સિરીઝ દ્વારા હિંદુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે.


ગૌરવ તિવારીએ ટ્વીટ કરીને લખ્યું કે, રાણી અહિલ્યાબાઈ હોલ્કરે મહેશ્વર ઘાટને શિવભક્તો માટે સમર્પિત કર્યો. પાષાણ યુગના હજાર શિવલિંગ તેમની ઓળખ છે. પણ નેટફ્લિક્સ ઈન્ડિયા આ પાવન ધરાનો ઉપયોગ લવ જેહાદને પ્રોત્સાહન આપી અને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરી રહ્યું છે. આજથી મારા ફોનમાંથી નેટફ્લિક્સ હટાવી રહ્યો છું અને તમે ?


નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી આ વેબ સીરિઝમાં ઈશાન ખટ્ટર અને તબ્બુ વચ્ચે રોમાન્સ દર્શાવામાં આવ્યો છે. ઈશાન સીરિઝમાં માન કપૂરની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે તબ્બુ સઈદા બાઈના રોલમાં છે. રણવીર શોરી સીરિઝમાં વારિસની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે વિજય શર્મા રાશીદના રોલમાં છે.