અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં શનિવારે રાત્રે નવ વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ કરાયો છે. આ કરફ્યુની મુદત આવતી કાલે સોમવારે સવારે 6 વાગ્યે પૂરી થાય છે ત્યારે ગુજરાત સરકાર આ કરફ્યું લંબાવશે કે નહીં એ સવાલ પૂછાઈ રહ્યો છે.


ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ કરફ્યુ લંબાવાઈ શકે છે એવો સંકેત આપ્યો છે. નીતિન પટેલે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે, સોમવાર સવાર સુધીમાં સ્થિતી કેવી છે તેના આધારે કરફ્યુ લંબાવવો કે નહીં તેનો નિર્ણય લેવાશે. તેમણે કરફ્યું નહીં લંબાવાય એવું સ્પષ્ટ રીતે ના કહેતાં અમદાવાદમાં કરફ્યુ લંબાવી શકાય છે એવા સંકેત મળ્યા છે.



અમદાવાદમાં શનિવાર રાતથી કરફ્યુનો અમલ શરૂ થયો છે. શનિવારે રાતથી જ કરફ્યુનો અમલ શરૂ થતાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. જુદા – જુદા વિસ્તારમાં પોલીસ ફોર્સ રોડ પર ઉતરી આવી હતી. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા સુચના આપી હતી. પોલીસે નાઈટ કરફ્યુનો અમલ કરાવવા ડીસીપી, એસીપી, તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને સ્ટાફને રાતે 9 વાગ્યાથી મોડી રાતના 12 વાગ્યા સુધી બેરીકેડ મુકી ચેકિંગ કરવા જણાવ્યું છે. રાતે 12 વાગ્યા પછી શહેરમાં બહાર જવાના તથા પ્રવેશવાના નાકા પોઈન્ટોને સીલ કરી વાહન ચેકિંગ શરૂ કરાયું છે કે જે વહેલી સતત ચાલુ રહેશે. આ સમય દરમિયાન બિનજરૂરી બહાર નીકળનારા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના પણ પોલીસે આપી છે.