નવી દિલ્હીઃ હાલમાં જ જેએનયૂમાં થયેલ હિંસાનેલઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. લોકો રસ્તા પર ઉતરીને સતત સરકાર વિરોધી નારા લગાવી રહ્યા છે ત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે. આ લાઈનમાં જ દીપિકા પાદુકોણ પણ જોડાઈ ગઈ છે, જે તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સોશિયલ મીડિયા પર બોયકોટ ‘છપાક’ ટ્રેન્ડ કરી રહ્યું છે. દીપિકાની આગામી ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, પરંતુ આ પહેલા જ જેએનયૂનું સમર્થન કરવા પર દીપિકા ફસાઈ ગઈ છે.


ભાજપના કેટલાક નેતાઓએ પણ દીપિકા પાદુકોણ પર પોતાનો રોષ ઠાલવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રાકેશ સિંહાએ આ મામલે દેશ વિરોધી લોકો સાથે ઊભા રહેવાથી લઇને ફિલ્મોમાં આંતકવાદી અને દાઉદના પૈસા લાગવાની વાત પણ કહી છે.



રાકેશ સિંહાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "દીપિકા અહીં એક વ્યક્તિ તરીકે ગઇ હતી. આવું જોવા મળી રહ્યું છે કે જ્યાં પણ સરકાર વિરોધી કે રાષ્ટ્ર વિરોધી કેટલીક ગતિવિધિઓ થઇ રહી હોય ત્યાં બોલિવૂડ સ્ટાર પહોંચી જાય છે. અને લાગે છે બોલિવૂડ પર કોઈનું દબાણ છે. ફિલ્મોમાં દાઉદના પૈસા પણ લાગેલા છે. કાળા નાણું પણ આવે છે. તો આવું થઇ શકે." જો કે તેમણે કહ્યું કે હું ખાલી આ મામલે વાત નથી કરી રહ્યો.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ ગત 2 દિવસથી દિલ્હીમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરે છે. તેમની આવનારી ફિલ્મ છપાક એસિડ અટેક સરવાઇવરની સ્ટોરી છે. વળી છપાક ફિલ્મથી દીપિકા પહેલીવાર પ્રોડ્યૂસર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકશે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે.