મુંબઈઃ કંગના રનૌતના ઓફિસનો કથિત રીતે ગેરકાયેદસર ભાગ તોડી પાડવાને લઈને બે કરોડ રૂપિયાના દંડની માગ કરતા બોમ્બે હાઈ કોર્ટમાં કંગનાની અરજી પર પોતાના સોગંદનામાં બીએમસીએ શુક્રવારે કહ્યું કે, આ અરજી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે.

બીએમસીએ પોતાની એફિડેવીટમાં કોર્ટ પાસે રનૌતની અરજી ફગાવી દેવા અને આવી અરજી દાખલ કરવા પર તેના પર દંડ લગાવવાની માગ કરી છે.

એફિડેવીટ અનુસાર, ‘રિટ અરજી અને તેમાં માગવામાં આવેલી રાહત કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે. અરજી પર વિચાર ન કરવો જોઈએ અને તેને દંડની સાતે ફગાવી દેવી જોઈએ.’

નવ સપ્ટેમ્બરે બીએમસીએ રનૌતની ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણનો આરોપ લગાવતા તોડફોડની કાર્રવાઈ કરી હતી. રનૌતે હાઈકોર્ટમાં અરજી કરતાં એ જ દિવસે બીએમસીની કાર્રવાઈ પર સ્ટે આપ્યો હતો. ત્યાર બાદ 15 સપ્ટેમ્બરે રનૌતે પોતાની સંશોધિક અરજીમાં બીએમસીની કાર્રવાઈને લઈને વળતર તરીકે બે કરોડ રૂપિયાની માગ કરી હતી.


હાલમાં જ કંગના રનૌતે સોશિયલ મીડિયા દ્વારા ફરી એક વખત મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોતાની તૂટેલ ઓફિસની તસવીર શેર કરતાં કહ્યું કે, શિવસેનાએ તેના મંદિરને કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે.

ઓફિસ તૂટ્યા બાદ પહેલાની તસવીર શેર કરતાં કંગના રનૌતે લખ્યું, ‘જે એક સમયે મંદિર હતું તે હવે કબ્રસ્તાન બની ગયું, જુઓ મારા સપનાને કેવી રીતે તોડ્યું, આ બળાત્કાર નથી?’