નવી દિલ્હીઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્ક કૌભાંડ મામલામાં ઇડીએ આજે લગભગ સો કરોડ રૂપિયાના મૂલ્યની ત્રણ હોટલો જપ્ત કરી છે. આ ત્રણેય હોટલો રાજધાની દિલ્હીમાં આવેલી છે અને તેના માલિક તરીકે આ મામલામાં મુખ્ય આરોપીઓમાંના એક રાકેશ વધાવનનું નામ સામેલ છે.


ઇડીના અધિકારીઓએ કહ્યું કે, જે હોટલોને જપ્ત કરવામાં આવી છે તેમના નામ  હોટલ કોન્કલેવ બુટીક, કાન્કલેવ કંફર્ટ, કાન્કલેવ એક્ઝીક્યૂટીવ છે. આ હોટલોના માલિક લિબ્રા રિલેટર્સ, દીવાન રિલેટર્સ પ્રાઇવેટ લિમિટેડ, રાકેશ વધાવન, રોમી મેહરા છે.

ઇડીએ કહ્યું કે આ મામલાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પીએમસી બેન્કમાંથી 6117 કરોડ રૂપિયાની જે લોન ચોરી થઇ છે તેના પૈસા આ સંપત્તિઓમાં રોકવામાં આવ્યા છે જેના કારણે આ ત્રણ હોટલોને જપ્ત કરવામાં આવી છે.

નોંધનીય છે કે પીએમસી કૌભાંડની તપાસ ઇડીએ ગયા વર્ષે ઓક્ટોબર 2019માં શરૂ કરી હતી અને આ મામલાની તપાસ દરમિયાન વધાવન ભાઇઓની ધરપકડ કરાઇ હતી. હવે ઇડી આ મામલામાં ચોરીના પૈસાની શોધ કરી રહી છે અને જે પ્રોપર્ટીમાં પૈસા રોકવાના પુરાવા મળી રહ્યા છે તે જપ્ત કરવાની  કાર્યવાહી કરી રહી છે.